R-Add1

Wednesday, November 25, 2015

થંભેલાં પગલાં

થંભેલાં પગલાં

જેશોધવા દિન-રાત કર્યાં, 
અંતે થંભેલાં પગલાં મળ્યાં. 
ભીડ જોઈ સતત દૂર રહ્યા, 
રસ્તામાં તે એકલા મળ્યા. 
યૌવનને નથી અલંકારની જરૂર, 
ધૂળમાં રઝળતાં કડલાં મળ્યાં. 
ટીલડી ચોડવાનું ક્યારથી છોડ્યું? 
ખોબામાં ખરતા તારલા મળ્યા. 
વાંચવાનું અમથું નથી મેલ્યું, 
વનમાં રમતા મોરલા મળ્યા. 
મોતીની તારે શી જરૂર? 
સરોવર તરતા હંસલા મળ્યા. 
શરમાતા કોઈ તારી પાસે શીખે, 
ડોક નમાવતા મૃગલા મળ્યા. 
અચાનક ડગલાં ક્યાં ખોવાયાં, 
સામે ઝાંઝર પડેલાં મળ્યાં. 
એવાં તો તારાં શું વખાણ સાંભળ્યાં, 
વાટમાં પ્રેમીઓ કેટલા મળ્યા. 
 - અરવિંદ વાઘેલા, છાપરિયાળી (ભાવનગર) 

તું કાબિલ નથી


કરતું દેખાવ પ્રેમનો જેને તું કાબિલ નથી, 
પ્રેમમાં પ્રેમના નામ પર કર્યાં તેં પાપ એટલાં, 
તું પશ્ચાત્તાપને કાબિલ નથી. 
લાગણીઓના લોહીથી રંગાયેલા છે હાથ તારા, 
મેંદીના રંગને હવે તું કાબિલ નથી. 
પ્રેમમાં પીઠ પાછળ તેં કર્યા છે ઘા એવા, 
કે મારું ઘર વસાવવાને હવે તું કાબિલ નથી. 
તું લાખ બહાનાં કરે હવે પણ તું, 
માફીને કાબિલ નથી. 
પૂછ બેવફા તારા દિલને હવે પણ કહી ઊઠશે, 
કે મારી ધડકનને તું કાબિલ નથી. 
કહે છે સૌ કે પ્રેમમાં મારા પ્રાણ લેનાર તું, 
મોત પર મારા શોક મનાવવાને હવે, 
તું કાબિલ નથી... તું કાબિલ નથી. 
 - મેહુલ પરમાર, કોઠંબા (લુણાવાડા) 

દીકરીની વેદના

દીકરીની વેદના


કળીબની હું ખીલવા માટે, માતાના ઉદરમાં સમાણી, 
જનમ થયો ત્યાં જનેતાને કહે, સાપના ભારાને કાં જણી? 
પારણામાં પોઢાડી પરાણે, સંભળાવે કહાની શાણી, 
દૂધના કટોરા આપે દીકરાને, પવાતા ઘરમાં મને પાણી. 
બેટી મટી હું પત્ની બની, જગત આખાએ વાત જાણી, 
માતૃત્વ વખતે બધાના મનમાં, દીકરાની ઝંખના દેખાણી. 
કરુણા માટે હું કરગરતી, મને મળી મારની લ્હાણી, 
અવસર આવ્યો અળગા થવાનો, વહાલી ઘાએ મીઠી વાણી. 
પિતા કહે દીકરી પારકી થાપણ, સસરા કહે હું પારકી જણી, 
કહેશો કોઈ આમાં મને, દીકરીને પોતાની કોણે ગણી? 
 - શંકર ડાંગર, રાજકોટ 

તમે


તમે


કોનીયાદમાં ખોવાયાં છો તમે, 

શું પ્રેમની માળામાં પરોવાયાં છો તમે? 
હાજર છો અહીં તોય હાજર નથી તમે, 
શું ગમના સમંદરમાં ડૂબ્યાં છો તમે? 
જોઉં છું એકીટસે આભમાં ગાંડો બની, 
શું ચાંદમાં પણ સમાયાં છો તમે? 
જતાં રહ્યાં છો છોડી મને પરાયો સમજી, 
શું પોતાના-પરાયામાં ફસાયાં છો તમે? 
આવવું છે તમારે પાછા મારી દિલનગરીમાં, 
શું પોતે શરમમાં મુકાયાં છો તમે? 
સુંદર છો તમે તન-મનથી જાણું છું હું, 
એટલે મારી ગઝલમાં હરદમ રચાયાં છો તમે. 
 -   ભરત કાપડિયા, અમદાવાદ