R-Add1

Monday, January 4, 2016

સમજી ગયું છે આંગણું,


વાત સૌ સમજી ગયું છે આંગણું, 
આખું ઘર વાંચી ગયું છે આંગણું. 
બાળપણની યાદ આવી ગઈ હશે, 
એટલે પલળી ગયું છે આંગણું. 
દ્વાર છત દીવાલ સૌ ફફડી ઊઠ્યાં, 
સહેજ જો ધ્રૂજી ગયું છે આંગણું. 
એક જણની રાહ જોઈ જોઈને, 
આખરે ઊંઘી ગયું છે આંગણું. 
એટલે ઘરમાં રહું છું ચેનથી, 
સૌ સમજ આપી ગયું છે આંગણું. 
હું સમયસર ઘર અગર પહોંચી નહીં, 
શોધમાં દોડી ગયું છે આંગણું. 
મોભના માથે પસીનો જોઈને, 

એકદમ થાકી ગયું છે આંગણું... 
                                                    -ગાયત્રીભટ્ટ

દૂરસુધી ચાલવું છે


હાથમાંહાથ રાખી દૂર સુધી ચાલવું છે, 
મંજિલ, પગરવ ને આકાશ સુધી ભમવું છે. 
રહસ્યમય સમંદર જેવી છે તારી આંખો, 
પ્રેમનાં હલેસાં લઈ જિંદગીભર તરવું છે. 
મારા હૃદય પર એવી ચાહત મૂર્તિ બનાવવી, 
ને એક છબી તારી તેમાં રક્તથી છાપવી છે. 
યાદોનાં શમણાં સતાવે છે રોજ મને, 
તારા ખોળામાં જિંદગીભર જાગવું છે. 
આપણા પ્રેમને નજર ના લાગે જગતની, 
તેથી તારી આંખોમાં સંતાવું છે. 
કેટલું ચાહું છું તને મને ખબર નથી 'રાજ', 
પણ ચાહત પહેલાં ચાહત પછી ચાહવું છે.  
                                                   - મીતુ 'રાજ', અંકલેશ્વર

ઝરણું ફૂટ્યું


તારીયાદનું ઝરણું ફૂટ્યું, 
હૈયે લીલું તરણું ઊગ્યું. 
પરોઢિયે ફૂલોના ચહેરા પર, 
ઝાકળ ભીનું શમણું ઊગ્યું. 
દૂર ક્ષિતિજે ચૂમવા ધરતીને, નીચે આભ નીલવરણું ઝૂક્યું. 
શુકન લાભ-શુભનું બારસાખે, 
કુંભની ડાબે-જમણું મૂક્યું. 
ટોડલે ગહેકે મોર કળાયેલ, 
તારા આગમનનું પગલું ફૂટ્યું. 
મારી ઉદાસી ઝળહળ ઝ‌ળહળ, 
જાણે અમાસે ચાંદરણું ઊગ્યું.
 
                                - તનસુખ શાહ, વાલોડ