ભ્રૂણરૂપે પડ્યો છું માનાં ઉદરમાં,
મને માનવ થઇ અવતરવાના કોડ.
પા.. પા.. પગલી ચાલું છું આજે,
મને વામન ડગ ભરવાના કોડ.
ઇંડા રૂપે માળામાં રહું છું,
ખગ બની ગગનમાં વિહરવાના કોડ.
બૂંદરૂપે સમાયો છું વાદળમાં,
મેઘ બની મૂશળધાર વરસવાના કોડ.
કળી રૂપે આજે સમેટાયો છું,
ફૂલ બની મહેકવાના કોડ.
બીજરૂપે ભૂમિમાં દટાયો છું,
તરુ બની મહોરવાના કોડ.
-વાસંતિકા પરીખ, વડોદરા